આખી દુનિયાએ ફિફા વર્ડકપ ફૂટબૉલના સંદર્ભમાં આવેશ ભર્યો ઉત્સાહ અને આનંદ માણ્યો છેવટે જર્મની ચેમ્પિયન બન્યુ; અને જર્મનોએ દેશપ્રેમ સભર આ મહાન જીતની ઉજવણી કરી. આર્જેન્ટિના બીજા નંબરે આવ્યું. એ પણ નાનીસુની સિદ્ધિ નથી. પણ આર્જેન્ટિનાના ઘણા રમત ચાહકોએ આ સિદ્ધિને શરમજન સમજી પોતાના જ દેશમાં ભાંગફોડ કરી. પોતાના જ દેશને નુક્સાન કરી દેશભક્તિ બતાવી. પોતાના દેશના હીરોને વિલનમાં પલટી નાખ્યા. અને પોલીસને ટિયરગૅસનો ઉપયોગ કરવો પડ્યો. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ હારીને પાછી ફરે ત્યારે તેમને ધમકીઓ આપવાના કે તેમનાં, અરે તેમનાં કુટુમ્બીઓનાં ઘરને નુકસાન કરવાના કિસ્સા નોંધાયા છે. જે ટીમ કે ખેલાડી ગઈકાલ સુધી તેમના હીરો હતા, તે જાણે કોઈ દેશદ્રોહી હોય તેવું વર્તન તેમની સાથે કરવામાં આવે છે; કારણ કે તેઓ એકવાર જીત વડે તેમનું મનોરંજન ન કરી શક્યા. જીત કે હાર, આ ખેલાડીઓ રાત દિવસ સખત મહેનત કરી આવા ઊંચા સ્થાને પહોંચતા હોય છે.
માનવ સંસ્કૃતિની શરૂઆતથી માણસોએ મનોરંજન માટે રમતગમતની શોધ કરી છે. ધીરે ધીરે બે મહોલ્લા વચ્ચે, બે શાળાઓ વચ્ચે, બે ગામ વચ્ચે, બે રાજ્ય વચ્ચે, અને બે દેશો વચ્ચે રમતમાં રસ વધારવા સ્પર્ધાઓ થતી આવી છે. તમે તમારી ટીમ કે તમારો પ્રિય ખેલાડી જીતે એવું ઇચ્છો, એમને માટે ચિયરીંગ કરો, એ સ્વાભાવિક છે. જો તે જીતે તો તેની ઉજવણીનો આનંદ લો, અને હારે તો થોડું દુખ થાય તે પણ સ્વાભાવિક છે. પણ આખરે આ માત્ર રમત છે. ટીમ હારે તો બાળકોની જેમ ભેંકડો તાણવો, કે માનસિક સમતુલા ગુમાવી પોતાના જ દેશમાં તોડફોડ કરવી તે દેશપ્રેમ, રમતપ્રેમ કે ટીમ પ્રેમ બતાવતી નથી. આવા વલણને ડિસફંક્ક્ષનલ વળગણ કહેવાય છે, પ્રેમ નહીં. ભાઈ, જર્મની રમતમાં જીત્યું છે; લશ્કરી હુમલો કરી દેશ જીતી લીધો નથી.એ સમજવું જરૂરી છે કે સામેની ટીમ પણ ખૂબ જ મહેનત કરી જીતવા માટે જ આવી છે. એક ટીમે તો હારવાનું જ છે. સામેની ટીમ જીતે તો તેને યશ આપી તેમની ટેલેન્ટની કદર કરવી તે જ સાચો સ્પોર્ટમેન સ્પિરિટ છે.
તમે પાંચસો રૂપિયાની ટિકિટ ખરીદો, કે કેબલ ટીવીનું લવાજમ ભરો તેથી તમે આ ખેલાડીઓના કે ટીમના માલિક નથી બની જતા. અને જો તેમની રમત તમને માફક ન આવતી હોય તો તમે રમવા માટે લાયક બનો. ઘણા કાઉચ પટેટો ફૅન સોફામાં બેસી, પોટેટો ચિપ્સ ખાઈ ફાંદ વધારતા વધારતા રમત જોતા હોય છે. કોઈ શારિરિક પ્રવૃત્તિ પણ કરતા હોતા નથી. પણ રમત ચાલુ થાય એટલે કહેવાતી પોતાની ટીમ ન જીતે તો તેમનું ખસી જતું હોય છે. આ લોકો બીજાની મહેનત દ્વારા પોતાની સુપિરિયોરિટી સાબીત કરવાનો પ્રયત્ન કરતા હોય છે.
જો તમારે ખરેખર દેશપ્રેમ બતાવવો હોય તોઃ
- તમારા પોતાના ક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરી નામ કાઢો, અને દેશનું નામ પણ ઉજ્વળ કરો.
- દેશના કાયદા કાનુનનું, ટ્રાફિકના કાયદાનું પણ પાલન કરો.
- તમારા દેશવાસીઓ પર સાચા અર્થમાં પ્રેમ રાખો, તેમની પ્રગતિમાં આનંદ માણો, અને તેમની ઇર્ષા ન કરો , કે તેમનું ખરાબ ન ઇચ્છો.
- કોઈનો મફનો પૈસો લેવાની ઇચ્છા ન રાખો.
- લાંચ આપવા લેવાનું બંધ કરી દો, અને પ્ર્રામાણિક રાજકારણીઓને ચૂટીને દેશની પ્રગતિ અને રક્ષણ માટે મોકલો.
- તમારા સ્પોર્ટ હીરોને તમારી પ્રેરણા બનાવો. પણ એમની જીતથી તમે મહાન નથી બની જતા, અને એમની હારથી તમારું અપમાન નથી થતું