મારું બાળપણ (પાંચમા ધોરણ સુધી) નાનકડા ગામ, દેથલી (જી. ખેડા, વસ્તી ત્યારે ૨૦૦૦)માં વિત્યું. શાળામાં કંઈ પણ શીખીએ એટલે મારા જેવા અવળચંડા મગજમાં, કોઈને ન આવે તેવા, ઓફ્કોર્સ, અવળચંડા વિચારો આવે. એક વાર શિક્ષક સમજાવી રહ્યા હતા, કે આપણે ગાયને ‘માતા’ કેમ કહીએ છીએ. સાહેબે સ્ટાન્ડર્ડ જવાબો આપ્યા. ગાયમાતા આપણને દૂધ આપે છે. ગાયમાતા આપણને વાછરડા આપે છે, જે મોટા થતાં બળદ બની ખેતીમાં હળ સાથે જોડાઈ મદદરૂપ થઈ શકે છે. અને ટ્રાન્સ્પોર્ટેશન માટે બળદ ગાડાં ખેચવાનું કામ કરે છે.
બસ આ સાંભ્ળ્યું એટલે મારા ક્રિયેટિવ બાલ-મગજમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ ગયા. એ વાત સાચી, કે ગાય દૂધ આપે છે (કે માણસો ગાય પાસેથી ચોરી લે છે? ક્યારે ય ગાયને એવુ કહેતી સાંભળી છે, “ચંપાબેન, આ મારા આંચળમાં દૂધ ઉભરાવા લાગ્યુ છે, તે દોણી લઈને દોડો. અને મારાં બાળકોને જરા દૂર જઈ બાંધો નહીતો કમબખ્તો માણસોના હકનું દૂધ પી જશે. એમને બે પૈસાનું ઘાસ ખવડાવી દેશો તોય એ મુરખાઓ તો ખુશ થઈ જશે. ભલે એ મને ‘મા’ ના કહે, પણ માણસજાતી જેવા મહાન પ્રાણીઓ મને માતા કહે તે કમ છે?)
ગાયોનું જ્યારે દૂધ દહોવાય છે ત્યારે ગાયને ખાસ શારીરિક તકલીફ તો પડતી નથી. પણ બળદ બિચારા ખરાબ આબોહવામાં તકલીફ પમાડતું હળ ખેંચે, ભારેખમ ગાડાં ખેંચે, કૂવામાંથી પાણી કાઢવાના કોસ ખેંચે ત્યારે તો કેટલી મહેનત પડતી હશે? અને જલદી ન ચાલે તો ડંડા પડે તે નફામાં. ગાયો કરતાં મોટી કુરબાની આપનારને ગાય જેવો જ દરજ્જો અપાવો જોઇએ. જો ગાયને ગાયમાતા કહીએ, તો બળદને બળદ-પિતા કેમ ના કહેવા જોઈએ. અને કાયદેસર પણ માતાના પતિને પિતા જ કહેવાય છે!
ખરેખર તો ગામમાં ૯૯% ભેંસો હતી, અને ૯૯% લોકો ભેંસનું જ દૂધ પીતા. જો દૂધના સ્વાર્થ માટે ગાયને ગાયમાતા કહીએ, તો ભેંસને ભેંસમાતા કેમ નહીં? ડિસ્ક્રિમિનેશન? એ સાચું છે કે ગાયો મુખ્યત્વે ધોળી હોય છે, અને ભેંસો કાળી. અને દેખાવમાં પણ ગાયો વધારે રૂપાળી. પણ આવો રંગભેદ હટાવવા ગાંધીજીએ આખી જિંદગી ખર્ચી નાખી હતી. અને ઉચ્ચારમાં પણ ‘ગાય’ નામ કેટલું સુંવાળું. પણ ‘ભેંસ’નો ઉચ્ચાર કરીએ તો કાનમાં માટીના ઢેફા જેમ વાગે, ભફ્ફ લૈને.. ‘ગાય’ બોલતાં માથું નમાવવાનું મન થાય. ‘ભેંસ’ સાંભળતાં હસવાની ઇચ્છા થાય. “અરે એક તો મારું દૂધ ચોરી લો છો, અને પાછા મારી મશ્કરી કરો છો? કોઈ જાડી સ્ત્રીનું અપમાન કરવા તેને ‘ભેંસ જેવી’ કહો છો. જાડી તો ગાયો પણ હોય છે, પણ તમે જાડી સ્ત્રીને ‘ગાય જેવી જાડી’ કહો છો?” ભેદભાવ ધરાવતા માનવપ્ર્રાણીઓ, ભેંસને ‘ભેંસ-માતા’ ન કહીએ, તો કમ સે કમ ‘ભેંસ-માસી’ કે ‘ભેંસ-કાકી’ તો કહી શકીએ?
ભેંસના પતિદેવને તો એનાથી પણ વધારે અપમાનિત રીતે જોઈએ છીએ. ‘સા….લો પાડા જેવો છે.’ ‘બળદ’નામ કેવું સોફિસ્ટિકેટેડ સંભળાય છે? જાણે ‘દેવઆનંદ’. અને ‘પાડો?’ જાણે ‘ધુમાલ’ ! કોઈ કહેશે કે પાડાને હળ કે ગાડા સાથે જોડવામાં નથી આવતો. પણ એમાં પાડાનો વાંક? એની પાસે પણ બળદ જેવી જ ખૂંધ છે. પણ તમે રંગભેદ કરો તો એમાં પાડાનો શો વાંક? અને પાડા-કાકા, કે પાડા-માસા તો એથી પણ વધારે હાસ્યાસ્પદ લાગે છે.
ગામમાં માત્ર બે-ચાર જ પાડા …..વાઘરીવાડમાં. (બીજા પાડાઓનું શું થયું?). જોકે આમતો આ બે-ચાર પાડાનું જીવન ઇર્ષા આવે તેવું હતું. બિચારા બળદ રાત દિવસ મહેનત મજૂરી કરે, ત્યારે પ્રાથમિક શાળા સામે આવેલા વાઘરીવાડને નાકે પાડાઓને આખા ગામની ભેંસોને પ્રેગ્નટ કરવાની જવાબદારી સોંપાઈ હતી. અને શાળાની રીસેસમાં અમને પણ સેક્સ-એજ્યુકેશનનો પહેલો પાઠ ભણવા મળતો! જો કે આખા ગામની ભેંસોને નિયમિત રીતે પ્રેગ્નટ રાખવી એ કંઈ નાનીસૂની જવાબદારી નહતી; પણ હળ અને ગાડાં ખેંચવાની સરખામણીમાં તો…………પીસ ઓફ કેક. ખૂબ નાનો હતો ત્યારે વાઘરીવાડને નાકે શું ચાલી રહ્યું હતું તે સમજાતું નહીં. એક વાર પડોશનાં ખેડૂતપત્ની, મંછામાસી, એમની ભેંસ લઈને આવેલાં. ઘરની વ્યક્તિને ડૉક્ટર પાસે લાવે તેવી સાહજિકતાથી. મેં નિર્દોષ કુતુહલથી પૂછ્યું “મંછામાસી, આ લોકો તમારી ભેંસને શું કરે છે?” પહેલાં તો માસી સવાલ સાંભળી ડઘાઈ ગયાં. પછી ઠાવકુ મોં કરી કહે, “પગ બાંધે છે.” (‘પગ બાંધવા’ એ આ પ્રક્રિયાનું ખરેખર વ્હાઇટ કૉલર નામ હતું) મને સમજાયું નહીં પણ બાજુમાં ઊભેલા, આ પહેલાં મરકમરક મલકાતા છોકરાઓ ખડખડાટ હસવા લાગ્યા. માસીએ આંખો કાઢી છોકરાઓને ચૂપ કરી દીધા, પણ આ વિષયમાં, મારા અજ્ઞાનનું પ્રદર્શન કરી, વધારે પ્રશ્ન પૂછવાની મારી હિમ્મત ન ચાલી. જો કે એક બે વરસમાંં બધુ જ સમજાઈ ગયું
અને બિચારી બકરી. ગાંધીજી જેવા એનું દૂધ પીતા, અને બીજાને પીવા શીખામણ આપતા. (એક વાર મેં પીવાને પ્રયત્ન કરી જોયો, અને થુંકી નાખ્યું હતું) પણ જેને ગાંધીબાપુ જેવા રાષ્ટ્રપિતાનું એન્ડોર્સમેંટ મળ્યું હોય તે બકરીને ગાયમાતા પ્રકારનું કંઇક તો ટાઇટલ મળવું જોઈએ? બકરીની સાઇઝ જોતાં એને બકરી-માતા ભલે ન કહીએ, પણ બકરી-બેન કે બકરી-દીદી કહેવામાં તમને શિંગડાં વાગે છે?
બકરા તો એથી પણ મોટી, કહો કે સૌથી મોટી, કુરબાની આપે છે. પોતાની જિંદગીની, જેથી માણસને સ્વાદિષ્ટ અને પ્રોટિનથી ભરપૂર મટન-કરી મળી શકે. પણ આપણે એને બકરા-બંધુ કહેવાની સભ્યતા બતાવીએ છીએ? હરગિઝ નહીં. ગાયને ગાયમાતા કહી બીજાં કેટલાં માનવપ્રેમી પ્ર્રાણીઓ પર અન્યાય કર્યો છે આપણે?
પી.એસ: બકરાને બકરાબંધુ કહેવું થોડું ઑક્વર્ડ થઈ જાય સાલું.
“દેખો બચ્ચો, આજ બર્થ ડે પાર્ટી કે લિયે કિસ કો લે આયા હૂં? બકરા-ભૈયા કો. અબ હમ ભૈયા કા સર કાટ કે, મટન નિકાલ કે મજેદાર બિરિયાની બનાયેંગે.”
એક વાર એક મહારાજ ગાય લઈને દરવાજે ખડા રહ્યા. કહે, ” ગૌમાતા કે લિયે કુછ ખાના દો.”
મેં કહ્યું, “મૈં કિસી કો ભીખ નહીં દેતા હૂં. જવાન હો, બૉડી બિલ્ડર લગતે હો, મેહનત કરો”
પણ મહારાજ અચળ રહ્યા. “ભૈયા જી, મેરે લિયે નહીં ગૌમાતા કે લિયે માંગતા. હૂં મૈયા ભૂખી હૈ.”
છેવટે મારું પથ્થરદિલ પીગળ્યુ. મેં થોડા ચોખા આપ્યા. મને ખાતરી હતી કે ચોખા મહારાજના પેટમાં જશે અને ગાય તો ઘાસ જ ખાશે. મહારાજ વિદાય થયા, મારું ભલું થવાની ગેરંટી આપીને.
થોડી વાર પછી કંઇ કામ માટે કાર લઈ નીકળ્યો. કાર એક ખુલ્લા મેદાન આગળથી જઈ રહી હતી. પેલા મહારાજ ગાય-માતાને ડંડા મારતા મારતા, દોડાવી લઈ જઈ રહ્યા હતા ક્યાંક.
મને થયું ‘જે ગાયને આ બાવો માતા કહે છે, એના નામે ભીખ માગી પોતાનું પેટ ભરે છે, એને ડંડા મારે છે, કારણ વિના! કદાચ પોતાની માતાને પણ એ ડંડા જ…
ખરેખર તો ગાયમાતાને ડંડા મારી હાંકી જતા કેટલાય ગૌમાલિકને મેં જોયા છે.