જ્યારે મહા-સાઇક્લોન ફેઇલીનની આગાહી થઈ ત્યારે બધાના જીવ અધ્ધર થઈ ગયા હતા. ૧૯૯૯ના પ્રદીપ સાઇક્લોનને કારણે ૧૫૦૦૦ માણસોએ જીવ ગુમાવ્યા હતા. ગઈકાલ ના સાઇક્લોન ફેઇલીનમાં માત્ર ૨૩નાં મોત થયાં હતાં. આમાંથી થોડાં તો ઝાડ પડવા જેવા અકસ્માતોને લીધે થયાં હતાં. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ૯ લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં સફળ રહી હતી. એક તો લોકોને યોગ્ય માહિતી આપી સ્થળાંતર માટે સમજાવી શકાયા હતા. બીજું ટેક્નોલોજીની દ્રષ્ટિએ, ૨૧મી સદીનું ભારત આ દિશામાં પશ્ચિમના દેશોની બરાબરી કરી શકે એમ છે. મૂળ મુદ્દો એ છે કે, જો સરકાર ધારે તો યોગ્ય વહિવટ કરી શકે તેમ છે…..જો ધારે તો!
જે દિવસે લોકો સાઇક્લોને કારણે મહા જાનહાનીનો ભય સેવતા હતા ત્યારે હેડલાઈન હતીઃ મંદીરમાં સ્ટેમ્પીડને કારણે ૧૧૫થી વધારેનાં મોત. ૨૧મી સદીમાં આવું માત્ર દુનિયાના, અંધશ્રધ્ધાથી પીડાતા, ભક્તિના નામે પાખંડ કરતા દેશોમાં બની શકે.
૧. ભક્તોઃ ભક્તોએ એ વિચારવું જોઈએ કે જે જગામાં દસ હજાર માણસો ભેગા થવામાં જોખમ હોય, ત્યાં લાખો લોકોએ દર્શન માટે ભેગા થવાનું જોખમ ટાળવું જોઈએ. આ પહેલાં પણ દેવસ્થાનોમાં સ્ટેમ્પીડના ઘણા પ્રસંગો બનેલા છે, જેમાંથી પાઠ લેવો જોઈએ. કોઈ એક મંદીરમાં પ્રાર્થના કરવાથી પૂણ્ય મળતું નથી. જો ભગવાન સર્વત્ર હોય તો ઘરમાં બેસી પ્રાર્થના કરવાથી પૂણ્ય મળી શકે છે. જો ભગવાન કે દેવી મંદીરમાં હાજર હોય તો પોતાના સગ્ગા ભક્તો પર આવી હોનારત થવા દે ખરાં? પણ ખરેખર તો પૂણ્ય સારાં કર્મોને કારણે મળે છે. મંદીરમાં ઘંટડી ખખડાવવાથી નહીં. નરસિંહ મહેતાએ ‘વૈશ્નવજન’ ભજનમાં સાચો ભક્ત કોણ કહેવાય તે સ્પષ્ટ રીતે લખ્યું છે. તેમાં ક્યાં એવો ઉલ્લેખ નથી કે અમુક મંદીરમાં જઈ ઘંટડી ખખડાવવાથી ૭૧ કુળ તારી શકાય છે.
અને ધારો કે તમે મંદીરમાં આવી ભીડમાં જવાનો આગ્રહ રાખો છો, તો તે ભગવાનમાં શ્રધ્ધા રાખી જાઓ. જ્યારે કોઈ આતંક કે અફવા આવે ત્યારે શિસ્તબધ્ધ રીતે લાઈન બનાવી નીકળી જવાથી જાન હાની થવાની થવાની શક્યતાઓ ઓછી થાય છે. એના બદલામાં બીજાને (અરે બાળકોને પણ) કચડી, એના મડદા પર ચાલી, પોતાનો જીવ બચાવવા જાઓ ત્યારે કયો ભગવાન કે કઈ દેવી તમને પૂણ્ય આપવાનાં છે?
વર્ષોથી આપણે પશ્ચિમના લોકોને ભૌતિકવાદી કહી ગાળો આપતા આવ્યા છીએ, અને ભારતને આધ્યાત્મિક કહી ગૌરવ લેતા આવ્યા છીએ. પણ હવે ભૌતિકવાદ પશ્ચિમ પાસેથી શીખતા શીખતા એમનાથી પણ હજારો માઈલ આગળ નીકળી ગયા છીએ.
પણ ખરેખર જે એમની પાસેથી શીખવાનું છે, તે શીખતા નથી. યાદ છે ટાયટેનિક? જ્યારે બરફના પાણી વચ્ચે, મધદરિયે, દુનિયાના સૌથી પૈસાદારોને લઈને જતું દુનિયાનું સૌથી મોટું વહાણ ડૂબવા માંડ્યુ ત્યારે લોકો પોતાનો જીવ બચાવવા લાઇફબોટ પર તૂટી પડ્યા હોત તો કોઈ ના બચ્યું હોત. કેપ્ટનની સુચના આવી, કે બાળકો અને સ્ત્રીઓ સૌ પ્રથમ લાઇફબોટમાં જાય. તરત બધા પુરુષો લાઇનમાં પાછળ હઠી ગયા. અને કેપ્ટને અને વહાણના ચાલકોએ ડૂબતા વહાણ સાથે જળસમાધિ લીધી.
૯૧૧ ના વિડિયો જોયા હશે તો ખ્યાલ આવશે કે કેટલા માણસોએ જીવનું જોખમ લઈ બીજાની જિંદગી બચાવી હતી. આવા માણસો ખરેખર પૂણ્યને માટે યોગ્ય છે.
૨. સરકારઃ જે સરકાર પાસે મહાભયાનક કુદરતી આફત પર સારી વ્યવસ્થા કરી જાનહાની થતી અટકાવવાની ક્ષમતા છે, ઈચ્છાશક્તિ છે, તે આવી માનવસર્જિત હોનારત કેમ ટાળી શકતી નથી? દેવસ્થાનોમાં આ પહેલી સ્ટેમ્પીડ નથી. જો નેતાઓની સભાની લાખોની મેદનીની વ્યવસ્થા સુરક્ષિત રીતે થઈ શકે, તો મંદીરોમાં કેમ નહીં? ૨૧મી સદીમાં ક્યાં, કેટલા માણસો, કઈ વ્યવસ્થાથી એકઠા થઈ શકે, અને વિરેચન (ઇવેક્યુએશન) માટે કેવી તકેદારી રાખી શકાય તે બધાની ગણતરી થઈ શકે છે. યોગ્ય માર્ગદર્શન અને કાનુન વ્યવસ્થાથી આવી જાનહાની બચી શકે છે. જે ખર્ચ દુર્ઘટના પછી કરવો પડે તેનાથી ઓછા ખર્ચમાં સાવચેતીની વ્યવસ્થા થઈ શકે. અને સરકારની બદનામી બચે તે નફામાં