સરકારને દોષ ન દો – 1 (મંતવ્ય)ઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

 

આ વિષય પર આખું પુસ્તક લખી શકાય. પણ આજે એક નિબંધથી સંતોષ માનીશું.
મેં મારા ૬૭ વરસનું જીવન બે લોકશાહી દેશો (ભારત અને યુ.એસ.એ.)માં લગભગ અડધું-અડધું વિતાવ્યું છે, તેથી અંગત અનુભવથી જ આ લખું છું. મને બન્ને દેશો માટે પ્રેમ છે. ભારત મારી માતૃભૂમિ છે, તો અમેરિકા કર્મભૂમિ.
છેલ્લાં ત્રણ વરસ ભારતમાં પસાર કર્યાં ત્યારે મને અંગત રીતે અને સામાજિક રીતે ખૂબ જ ખરાબ અનુભવો થયા. બહુમતીના વર્તનનો, લોભ અને બેઇમાનીનો, લાંચ-રૂશ્વતનો, ગુનાખોરીનો, અસામાજિક વ્યહવારનો નજીકથી અનુભવ થયો.  આ  ત્રણ વરસમાં રૂપિયાની કિમત ડોલરના ૪૨ રૂપિયાથી ગગડી ૬૮ સુધી પહોંચી ગઈ અને જ્રરૂરી ચીજ વસ્તુઓના ભાવ બે થી   અઢી ગણા થઈ ગયા. અને લોકો માત્ર સરકારને દોષ આપી રહ્યા છે. આ જ બહુમતી, જે સરકારને ગાળો આપે છે, તેની અથવા તે જ કક્ષાની વિરોધ પાર્ટીઓની સભાઓમાં ઘેટાત્મક રીતે જઈ, હૈસો-બે-હૈસો કરી, ફરી પાછી એ જ અણગમતી સરકારને ચૂંટે છે. તમે પૂછશો કે બીજો વિકલ્પ શું છે? ‘વિકલ્પ છે.’ જે વિષે આ શ્રેણીની બીજી પોસ્ટમાં ચર્ર્ચા કરીશ.

હું પહેલા ધોરણમાં આવ્યો ત્યારે આઝાદીને પાંચ વરસ અને પ્રજાસત્તાક બંધારણને બે વરસ થયાં હતાં. મારી ગામડાની શાળાના પહેલા ધોરણના શિક્ષકે પ્રજાસત્તાક રાજ્યની વ્યાખ્યા આપીઃ ‘પ્રજા દ્વારા ચાલતું, પ્રજા માટે ચાલતું પ્રજાનું રાજ્ય.’ ત્યારે તો આ વ્યાખ્યા મઝાની લાગી. આપણા દેશમાં આપણું રાજ્ય હોય પછી કોઈ દુઃખી જ કેમ હોય? પણ પછી ખબર પડી કે આ વ્યાખ્યા તો માત્ર ‘પોથીમાંનાં રીંગણાં’ હતી.
દુનિયાના સોથી વધુ દેશ પોતાને ડેમોક્રેટીક દેશ કહેવડાવે છે. અરે પાકિસ્તાન અને ચીન પણ!! જેમ માળા ફેરવવાથી મહાત્મા નથી થઈ જવાતું તેમ ચુંટણી યોજવાથી દેશ પ્રજાસત્તાક નથી બની જતો. જેમ માણસનું ચારિત્ર હોય છે, તેમ દેશનું પણ ચારિત્ર હોય છે. દેશ એટલે દેશની બહુમતી. દેશની બહુમતીની વિચારધારાનો એક લઘુત્તમ સાધારણ અવયવી હોય છે. અને ચૂંટણી સમયે લોકો એક પક્ષને મત આપે કે બીજા પક્ષને, આ જ વાતાવરણ સરકારમાં જવાનું. બહુમતીનાં દુષણોમાં સત્તાનો                       ઉમેરો કરો એટલે આ દુષણો હજાર ગણાં થઈ જવાનાં.
દુનિયાની શ્રેષ્ઠ લોકશાહીનો ક્રમાંક જુઓ. પછી ભારત, પાકીસ્તાન બંગલાદેશ વગેરે દેશોનો ક્રમાંક જુઓ. પછી વિચારો કે આ ઉચ્ચ કક્ષાની લોકશાહીના દેશોમાં બહુમતીની વિચારધારા કેવી છે, અને ભારતની બહુમતીની વિચારધારા કેવી છે.

Democracy-chart-1Democracy-chart-2

હવે ભારત અને પડોશી દેશોના ક્રમાંક જુઓ. એ પણ ધ્યાનમાં લો, કે સારી લોકશાહી અને ભ્રષ્ટાચાર, લાંચ-રૂશ્વત વગેરેને સીધો સંબંધ છે. માત્ર સરકારનો ભ્રષ્ટાચાર નહીં, સમગ્ર બહુમતિનો. કારણ કે જે કૂવામાં હોય તે જ હવાડામાં આવે.
જે દેશોએ લોકશાહીની શાન બઢાવી છે તેમણે ખરેખર મહેનત કરી છે. એમણે ઉદાહરણ સ્થાપિત કર્યાં છે. આપણે તો માત્ર કૉપી જ કરવાની છે, બૉલીવુડની ફીલ્મોની જેમ. પણ આપણે કૉપી પણ નથી કરી શકતા.
જો દુનિયાના શ્રેઠ લોકશાહી દેશોની બહુમતી પ્રજા સાથે ભારતની સરખામણી કરીએ તો નીચેનાં તારણ કાઢી શકાય
1.    આ દેશની બહુમતી શીસ્તબધ્ધ છે. એમની પાસે લાઈનમાં ઉભા રહેવા માટે સમય અને ધીરજ છે.
2.    આ દેશની બહુમતી નિયમો અને કાયદા પાળવાની પોતાની અંગત ફરજ સમજે છે.
3.    આ દેશની બહુમતી માત્ર પોતાના બેંક એકાઉંટમાં વધુને વધુ પૈસા જમા કરવાને બદલે, માત્ર પોતાનો બંગલો શોભાયમાન કરવાને બદલે શેરીઓ, રસ્તા, બાગ બગીચા, સારી શાળાઓ, સારી કૉલેજો, હોસ્પીટલો, રીસર્ચ અને ડેવલપમેંટ વગેરેમાં રસ લે છે.
4.    આ દેશોની બહુમતીમાં લાંચ-રુશ્વત અને ભ્રષ્ટાચારનું પ્ર્માણ ખૂબ જ ઓછું હોય છે, જેથી ચૂંટાએલી સરકારમાં પણ તે પ્ર્માણ ઓછું હોય છે.
5.    આ દેશોની બહુમતી ચોખ્ખાઈને ખૂબ જ મહત્વ આપે છે.
6.    ધર્મને નામે અંધશ્રધ્ધા ફેલાવતાં અસામાજિક તત્વો પર કડક વ્યહવાર કરે છે.
7.    કોમી રાજકારણ અનુસરતા, અને ભ્રષ્ટાચારી રાજકારણીઓને ચૂંટતા નથી, તેથી કોમી રમખાણો થતાં નથી.
8.    પોતાના પહેલાં દેશને, સમાજને વધારે મહત્વ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો સાચા અર્થમાં ‘મેરા દેશ મહાન’ ના નારા લગાવે છે.
9.    કૉમનસેન્સ કૉમનસેન્સ કૉમનસેન્સ.
10.    સ્ત્રી-પુરુષના, કોમી અને જ્ઞાતીના, વગેરે ભેદભાવો દૂર કરવામાં સક્રિય છે.
11.     સોનાની મૂર્ગીનાં ઈંડાં જ ઉપયોગમાં લે છે, અતિલોભથી મૂર્ગી મારી નાખતા નથી.
12.     પોતાનાં બાળકોનું સાચા અર્થમાં રક્ષણ કરે છે.

ટૂંકમાંઃ

  •   ભ્રષ્ટાચારી બહુમતી ભ્રષ્ટાચારી સરકારને જન્મ આપે છે.
  •   અભણ બહુમતી ભ્રષ્ટાચારી સરકારને જન્મ આપે છે.
  •   આંધળી વ્યક્તિ-ભક્તિ, અને ભૂપ-ભક્તિ કરનારી બહુમતી ભ્રષ્ટાચારી સરકારને જન્મ આપે છે.
  •    અંધશ્રધ્ધાથી ભરેલી બહુમતી ભ્રષ્ટાચારી સરકારને જન્મ આપે છે.
  •   અનડિસિપ્લિન્ડ બહુમતી ભ્રષ્ટાચારી સરકારને જન્મ આપે છે.
  •   કાયર બહુમતી સરમુખત્યારશાહીને સહન કરે છે.
  •  ધર્માંધ બહુમતી સરમુખત્યારશાહી નોંતરે છે, કૃર વ્યહવાર કરે છે, અને માનવ-અધિકારોનો છડેચોક ભંગ કરે છે.

તો જે લોકો સરકાર માટે ફરિયાદ કરતા હોય તેમને મારે આટલું જ કહેવું છેઃ ‘જે વાવો તે લણો’

આજે આપ સૌ આ મુદ્દાઓના અનુસંધાનમાં વિચાર કરજો. આવતી પોસ્ટમાં વિસ્તરણ કરીશું.

Ghanshyam Thakkar

Oasis Thacker Publication

About Ghanshyam Thakkar

Music Composer, Music Arranger, Music Producer, Poet, Lyricist, Blog Editor, Audio Recording and Mixing Artist, Web-page Design Artist, Electrical Engineer(B.E.), Project Manager
This entry was posted in Club Oasis, Essay, Ghanshyam Thakkar, Gujarati Blog, Gujarati Literature, Gujarati Net, Gujarati Prose, Oasis Thacker, Oasis-Thoughts, Prose, Quote, घनश्याम ठक्कर, घनश्याम ठक्कर (ओएसीस), ગદ્ય, ગુજરાતી નેટ, ગુજરાતી બ્લોગ, ગુજરાતી સાહિત્ય, ઘનશ્યામ ઠક્કર, નિબંધ, મંતવ્ય, વતનપ્રેમ and tagged , , , , , , , , , . Bookmark the permalink.