માય નેમ ઇઝ પુજારા! – ઘનશ્યામ ઠક્કર (Oasis Thacker?)

My name is Pujara. Computer Art: Oasis Thacker

Click here for a larger image

આજકાલ તમે રમતગમતમાં રસ ન લેતા હો તો પણ પુજારા નામ વિષે, અને ચેતેશ્વર પુજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં થઈ રહેલી વાહવાહ વિષે, તેમની સદીઓ અને અમદાવાદની ટેસ્ટની બેવડી સદી (અણનમ) વિષે ના જાણતા હોય તેવું ના બને. કોઈ તેમને નવા રાહુલ દ્રવિડ કહે છે, કોઈ નવા તેંડુલકર, તો કોઈ નવા વૉલ (દીવાલ) કહી માન આપે છે.

તો આ ‘માય નેમ ઇઝ પુજારા’ નું શું? ના ના. આ કોઈ ફિલ્મનું નામ નથી. ખરેખર મારું નામ પુજારા છે. ઠક્કરો (લોહાણા) જાતીમાં ઘણી અટકો છે. જેમ બ્રાહ્મણ જ્ઞાતીમાં ચતુર્વેદી, દેસાઈ વગેરે સબ-કાસ્ટ હોય છે, તેમ લોહાણામાં પણ આવી ઘણી પેટા-અટકો છે. ્ગુજરાતના સૌરાસ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ઠક્કરોની વસ્તી અઢળક હોવાને કારણે ઠક્કરો પેટા-અટકો જેવીકે પુજારા, મુલાણી, મિરાણી વગેરે વાપરે છે. એ સિવાયના બધા વિસ્તારોમાં બૃહદ જ્ઞાતિ-નામ ‘ઠક્કર’ પ્ર્ચલીત છે. છતાં બધા ઠક્કરો કે
લોહાણા જાણે છે કે તેમના ગોત્રનું, કે તેમની અટકનું નામ શું છે. મારું ગોત્ર પુજારા છે, તેથી અમારા વડિલો ઠક્કરને બદલે પુજારા અટક રાખી શક્યા હોત. અને કદાચ હું ઘનશ્યામ પુજારા નામે ઓળખાતો હોત!

જોકે મેં મારા નામ સાથે આમે ય ખૂબ ચેડાં કર્યાં છે. જ્યારે હું સાહિત્ય કક્ષાની કવિતા નહોતો લખતો, માત્ર મિત્રોનું મનોરંજન કરવા કહેવાતી ‘શાયરી’ રચી સંભળાવી લોકપ્રિય બન્યો હતો, ત્યારે મેં મારું ઉપનામ ‘સાકી’ દેથલ્વી રાખ્યું હતું. દેથલ્વી એટલે દેથલી ગામનો. એ પછી અમેરિકા ગયો ત્યારે ત્યાંના લોકોને ‘ઘનશ્યામ’ નામનો ઉચ્ચાર અઘરો લાગ્યો. ઘણા અમેરિકનો મારા નામની ઇનિશ્યલ્સ જી. આર. (ઘનશ્યામ રામલાલ) દ્વારા મને સંબોધવા લાગ્યા. થોડા સમય માટે
મારું નામ ‘જી. આર.’ બની ગયું. પછી મને જી.આર. નામ લુખ્ખું લાગું, તેથી મેં ‘ઘનશ્યામ’ને અધવચેથી કાપી નાખ્યું અને હું નવા નિક-નેમ ‘શ્યામ’ દ્વારા ઓળખાવા લાગ્યો. જ્યારે અમેરિકાનું નાગરિક્ત્વ લેવા ગયો ત્યારે મને કહેવામાં આવ્યું કે સીટીઝનશીપ લેતી વખતે ઘણા લોકો પોતાના નામમાં એક નવું (અમેરિકન) નામ ઉમેરે છે. સામાન્ય રીતે નામ બદલી માટે ત્યારે સરકારને તે સમયે લગભગ ૨૦૦ ડૉલર આપવા પડતા હતા, પણ નાગરિકત્વ બદલવાની વિધિ સમયે આ સુવિધા મફત આપવામાં આવતી. દેશી કશું જ મફત છોડે નહીં ! 🙂  મેં પણ મારા નામ આગળ એક નવું પ્રથમ નામ ‘ઓએસિસ (Oasis)’ ઉમેર્યું. એટલે કે હવે મારું નામ ‘ઘનશ્યામ રામલાલ ઠક્કર’ને બદલે ‘ઓએસીસ ઘનશ્યામ રામલાલ ઠક્કર બન્યું. અરે મેં તો ‘ઠક્કર’ અટકનો સ્પેલીંગ પણ બદલી,  Thakkar ને બદલે Thacker કર્યો!

મેં નામ કેમ બદલ્યું, અને નવું નામ કેવી રીતે પસંદ કર્યું તે એક અલગ રસપ્રદ લેખ બનશે, કદાચ ભવિષ્યમાં……

પણ આજે તો લેખ એટલા માટે લખ્યો, કે ચેતેષ્વર પુજારાએ ભારતના ક્રિકેટના ઇતિહાસમં એક નવું પ્રકરણ લખવાની શરૂઆત કરી છે. ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય કે પુજારા=ઠક્કર. અને એક ઠક્કર તરીકે, એક પુજારા તરીકે હું ગૌરવ
લૌં તો તે ઉચિત છે.

આમે ય ભૂતકાળમાં ઠક્કરોએ રમતગમતમાં ખાસ ઉકાળ્યું નથી. કહેવાય છે કે લોહાણા, કે ઠક્કરો ભગવાન રામના પુત્ર લવના વંશજો છે. એ રીતે જોઈએ તો રામ ઠક્કરોના સૌથી જાણીતા સ્પોર્ટ્સમેન કહેવાય સીતાના સ્વયંવરમાં (હરિફાઈમાં) રાવણ અને રામ બન્નેએ ભાગ લીધો હતો. શીવનું ભારેખમ ધનુષ્ય ઉચકવાનું હતું. રાવણ તે ઉચકી ન શક્યો, પણ રામે તેની પણછ ચઢાવી તોડી નાખ્યું. એ પછી એમના સૂર્યવંશી ક્ષત્રિય વારસદાર રાજાઓ અને લડવૈયાઓએ રમતગમની હરિફાઈઓ યોજી હશે, પણ ઇતિહાસમાં કે પુરાણોમાં તેનો ઉલ્લેખ નથી. મુસ્લીમોના આક્રમણોમાં પરાજિત થઈ ઠક્કરોએ તલવારોના બદલામાં ત્રાજવાં ગ્રહણ કર્યાં; અને આ સૂર્યવંશી ક્ષત્રિયો વેપારી બની ગયા. જો કે થોડા ઠક્કરોએ તલવાર અને ત્રાજવાં બન્ને સાથે રાખ્યાં, અને આફ્રિકાનાં વહાણવટાંમાં ચાંચિયાઓ સાથે જંગ ખેલ્યા. લેખક શ્રી ગુણવંતરાય આચાર્યની જાણીતી નવલકથા ‘દરિયાલાલ’માં ઠક્કરોની તલવાર અને ત્રાજવાંને સાંકળી લેતી સાહસકથાઓ,
ગૌરવકથાઓ વાંચવા મળશે.

પણ આધુનિક ઠક્કરો વાણિયા-બ્રાહ્મણ જેવા ‘ઢીલી દાળ ખાનાર’ તરીકે ઓળખાયા છે. મને પાંચ વરસની ઉમ્મરે સ્ટેજ પર રજુ કરવામાં આવ્યો હતો. એ પછી કવિતા, સંગીત, નાટક વગેરે. થોડા ઠક્કરોએ અભિનયમાં, મનોરંજનમાં નામ કાઢ્યું છે પણ રમતગમતમાં કશું નહીં. બાળપણમાં કબડ્ડીમાં મને છોકરીઓ આઉટ કરી દેતી.. ટૂંકમાં, રમતગમતમાં હું ‘ઢ’ હતો. જો કે ૧૫-૨૦ વરસની ઉમ્મરે કસરત કરવાની શરૂઆત કરી એ પછી મારું શરીર એથલેટિક લાગે છે. અમેરિકા ગયા પછી લાગ્યું કે એ દેશ સ્પોર્ટ્સનો બંધાણી હતો, અને મારા દેશી મિત્રો પણ રમતગમતના રસિયા હતા, તેથી અવારનવાર ત્યાંની લોકપ્રિય રમતો ટી.વી. પર જોવાતી. ભારત છોડતાં સાથે, ક્રિકેટ સાથેનો થોડો પરિચય પણ બંધ થઈ ગયો. જતે દિવસે થોડું ટેનીસ રમતાં શીખ્યો. ઠક્કરો પરનો શાપ ટાળવા મારાં ત્રણેય બાળકો, શાગિત, શૈલી અને કૃતિને ટેનીસ રમવા પ્રેરણા આપી.. શાગિત તો એની (અમેરિકાની) હાઇસ્કુલમાં ટેનિસનો ચેમ્પિયન પણ થયો. મને લાગ્યું કે શાગિત ઠક્કરો પરનો શાપ ટાળી અગાસી કે વિજય અમૃતરાજ બનશે. પણ હાઇસ્કૂલ પછી, ભણવામાં સારા ગ્રેડ લાવવા, ટેનિસ માત્ર શોખ માટે રમવા માંડ્યું અને કોલેજની ટીમમાં ન જોડાયો.

પણ ચેતેશ્વર પુજારાએ એ સાબિત કરી આપ્યું કે ધારે તો ઠક્કર પણ રમતવીર બની શકે છે. થેન્ક યુ ચેતેશ્વર!

સચ બાત હૈ કિ યહ ઘનશ્યામ પુજારા, ચેતેશ્વર પુજારા કી તરહ ક્રિકેટ નહીં ખેલ સકતા હૈ, લેકિન સંગીતકાર હોને કી વજહ સે અંગ્રેજોં કા બાજા જરૂર બજા સકતા હૈ.

————————–

Posted by Ghanshyam Thakkar [Oasis Thacker]                     {or Ghanshyam Pujara or Oasis Pujara?}

About Ghanshyam Thakkar

Music Composer, Music Arranger, Music Producer, Poet, Lyricist, Blog Editor, Audio Recording and Mixing Artist, Web-page Design Artist, Electrical Engineer(B.E.), Project Manager
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to માય નેમ ઇઝ પુજારા! – ઘનશ્યામ ઠક્કર (Oasis Thacker?)

  1. Pingback: માય નેમ ઇઝ પુજારા! – ઘનશ્યામ ઠક્કર « ગુજરાતી કવિતા અને સંગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *