ભૂરી શાહીના કૂવા કાંઠે-ઘનશ્યામ ઠક્કર
કોરા કાગળનાં વસ્ત્રૉ પહેરેલો કોઈ, સાવ મફતમાં વેચે ભૂરી પેનો!
ભૂરી શાહીના કૂવા કાંઠે પનિહારીનાં 'પ્રેમપત્રના અક્ષર' જેવાં સ્મિત!
પેન-પિપુડી વાગે,-લાગેઃ ચૂનો-ચોપડ્યા-પાન-ભીંતે છંટાતા હોળી ગીત.
શાહી-તરસ્યા આંખોના ખડિયા જાણે કે 'આંચળ દેખી ખખડે દૂધનાં કૅનો'.
કોરા કાગળનાં વસ્ત્રૉ પહેરેલો કોઈ, સાવ મફતમાં વેચે ભૂરી પેનો!
વસ્ત્ર ઉપર એક નામ લખો તો- અભણ બાળકોની માતાની છીછરી છાતી છલછલ ઊભરે શાહી..
વસ્ત્ર ઉપર એક ગામ લખો તો- લીલાં વનના નકશા દોરે સૂકે પાંદડે ભૂલા પડેલા રાહી...
ભૂરી શાહી-આંસુના એક ટીંપામાં વહેતાં ૧૯૮૫ ઉંઘનાં ઘેનો.
કોરા કાગળનાં વસ્ત્રૉ પહેરેલો કોઈ, સાવ મફતમાં વેચે ભૂરી પેનો!